RSS

Category Archives: વાર્તા

જીગર -ધનરાજ કોઠારી


Advertisements
 
1 ટીકા

Posted by on 06/06/2012 in વાર્તા

 

સાહેબ, હું તમારો વિદ્યાર્થી છું – માય ડિયર જયુ


ઘોઘા દરવાજે એ મળ્યો. મને જોતાં જ ઉમંગથી ઝુકીને મને નમસ્કાર કર્યા. હું પ્રસન્નપણે એને જોઈ રહ્યો. બી.એ.માં હતો ત્યારે મારા વર્ગમાં બેઠો બેઠો ધ્યાનપૂર્વક મારી વાતો સાંભળતો એટલે એનો ચહેરો પરિચિત હતો. પણ એ વખતના સાદાં કપડાં અને અત્યારના જરા ઠીકઠાક પરિધાનથી મારી પ્રસન્નતામાં કંઈક ચમક આવી ગઈ. એ તે પામી ગયો હોય એમ બોલ્યો :
‘સર, મને નોકરી મળી ગઈ છે.’
‘બહુ સરસ. અત્યારે નોકરી મળવી મુશ્કેલ છે. તું ભાગ્યશાળી કે તને તરત જ નોકરી મળી ગઈ.’ મેં મારી ખુશી જણાવી.

એણે વિનયપૂર્વક કહ્યું : ‘તમારા આશીર્વાદ, સર.’
‘અરે, એમાં મારા આશીર્વાદ શા કામના ! તારી હોશિયારી, મહેનત અને નસીબ જ સારું પરિણામ લાવે.’ મેં ખુલાસો કર્યો. કારણ કે, ત્રણ વર્ષના એના અભ્યાસકાળમાં એ મને કોલેજમાં બે-ત્રણ વાર મળ્યો હશે. અમારી વચ્ચે એવી કાંઈ પરિચિતતા નહોતી કેળવાઈ કે અમે વારંવાર મળીએ, વધુ નજીક આવીએ, અંતરંગ બની જઈએ કે પછી હું એની નોકરી વગેરે જેવી બાબતોની ચિંતા કરતો હોઉં. પછી એના બોલવામાં ડોકાયેલા જશને ખોટી રીતે ગુંજે ભરવામાં મને સંકોચ થયો.
‘ગમે તેમ સાહેબ, પણ મને સમયસર નોકરી મળી ગઈ એનો મને વધુ આનંદ છે.’ કહેતાં કહેતાં એનો કંઠ ભીંજાઈ ગયો. મારા ચહેરા પરથી નજર હટાવીને મનોમન બોલતો હોય એમ બોલ્યો :
‘નોકરી ન મળી હોત તો અમારું શું થાત ?’
‘કેમ ?’
‘મારા પિતાજી તો હું નાનો હતો ત્યારે ચાલી ગયેલા. ઘરમાં એક ભાઈ, એક બહેન અને બા. બાએ મને મહેનત મજૂરી કરીને ભણાવ્યો. હવે એ બિમાર પડી છે. વચ્ચે તો ટંક છાંડી જઈએ એવાય દિવસો હતાં.’ હું પણ ગંભીર થઈ ગયો. પણ હવે એ ભૂતકાળમાં આંટા લગાવીને દુઃખી થવાની જરૂર નથી, એમ સમજીને મેં વાત બદલવાની કોશિશ કરી.
‘અચ્છા, નોકરી શાની છે એ તો કહે ?’
એણે ગર્વથી કહ્યું : ‘તલાટી-કમ-મંત્રીની, સર. બાજુના ગામમાં જ.’
‘વાહ, ગામડામાં મંત્રી તો રાજા જ કહેવાય. પૂરી બાદશાહી. હવે જલસા કર.’
‘તમારા આશીર્વાદ, સાહેબ.’ ફરી એમ જ બોલીને છૂટો પડ્યો. એકવાર ડોકું ઘુમાવીને મેં એને જોયો. ઉત્સાહથી ડગલાં માંડતો જતો હતો.

એ દિવસોમાં મને રોજ સાંજે બજારમાં આંટો લગાવવાની ટેવ. એકાદ વરસ થયું હશે. એ જ સ્થળે એ ફરી સામો આવી ઊભો. મને નમસ્કાર કર્યા. મેં જોયું કે એના દિદાર ફરી ગયા હતા. એ સાદા કફની લેંઘામાં હતો અને ચહેરો શાંત હતો. મને થયું, નજીકનું કોઈ સગુંવહાલું ગુજરી ગયું હશે કારણ કે એ કહેતો હતો ને કે એની મા બિમાર છે. ગમે તેમ પણ મને એની વાત કાઢવાનું મન ન થયું. કોઈને સીધું જ એમ પૂછીએ કે કોઈનું અવસાન થયું છે તો કેવું લાગે ? એટલે મેં એમ જ પૂછ્યું : ‘કેમ ચાલે છે તારી નોકરી ?’
ક્ષણવાર એ મારી સામું જોઈ રહ્યો. પછી એની આંખોમાં ચમક આવી અને હોઠ મરક્યા. પછી સહેજ આડું જોઈને બોલ્યો : ‘એ નોકરી મેં છોડી દીધી, સર.’
હું હચમચી ગયો.
‘કેમ ? કેમ ? તું તો ખૂબ જ જરૂરિયાતમંદ છો અને નોકરી પણ મજાની કહેવાય ! વળી કોઈ કામ કરતા તું થાકે-કંટાળે એવો તો છો નહિ. પછી….?’
‘છ મહિનામાં કામથી નહિ સાહેબ, નકામા વ્યવહારથી મને એ નોકરી પર નફરત થઈ ગઈ છે.’ હું વાત પામી ગયો. નસ-નસમાં વ્યાપેલો ભ્રષ્ટાચાર આને પણ અભડાવી ગયો હશે. તોય હું સમાધાનકારી વાતે વળ્યો.
‘તારી વાત સાચી છે. પણ આપ ભલા તો જગ ભલા. આપણે એવા વ્યવહારોથી અલિપ્ત રહીને નોકરી કરીએ ને….’
‘મેં ત્રણચાર મહિના એવા પ્રયત્નો કરી જોયા. પરંતુ કીચડમાં ચાલીએ અને ખરડાઈ નહિ એવું કેમ બને ? આપણે ન કરીએ તો અધિકારીઓ આપણા નામે હાંકે, એમાં રહેવું કેવી રીતે ? આપણે કંઈ ન કરી શકીએ તો પણ આપણો આત્મા સતત ડંખ્યા કરે.’

હું ચૂપ થઈ ગયો. આ ઉંમરે અને આ પરિસ્થિતિમાંય એને જીવનમૂલ્યોની ખેવના છે એ જાણીને મને એના પર માન થયું.
‘તારી વાત સાચી પણ આત્મા જે દેહમાં વસે છે એના નિર્વાહ માટેય વિચારવું પડે ને.’ મેં વાસ્તવિકતાને સામે ધરી. એણે મારી આંખોમાં આંખો પરોવી છાતીમાં હવા ભરી અને એક એક શબ્દ છુટો પાડીને બોલ્યો :
‘સાહેબ, હું તમારો વિદ્યાર્થી છું. હલકી બાબતોમાં બાંધછોડ કરવાનું તમે ક્યાં શીખવ્યું છે !’ હું દિંગ થઈ ગયો. મેં ? મેં શું શીખવ્યું છે ? હા, અભ્યાસક્રમમાં ચાલતી કથા, વાર્તા, કવિતાઓની કૃતિઓમાં તો જીવનના આદર્શોની વાતો હોય જ. હા, હું ગાંધીયન ચિંતન અને સરદારના ભાવનાશીલ શાસન વચ્ચે ઊછરેલો-ભણેલો એટલે જીવન વિશેનો મારો અભિગમ આદર્શવાદી રહ્યો હોય તે સ્વાભાવિક છે. પણ વર્ગમાં ઉત્સાહપૂર્વક કરેલી આવી વાતો કોઈના હૃદયને સોંસરવી ઊતરી જાય એ આશ્ચર્ય !

મને ચૂપ જોઈને એ હળવાશથી બોલ્યો :
‘ચિંતા કરવાની જરૂર નથી, સર. મને મારા ગામમાં શિક્ષક તરીકેની નોકરી મળી ગઈ છે. અત્યારે હંગામી ધોરણે છે, પણ ભવિષ્યે કાયમી થઈ જઈશ એવી આશા છે.’ અમે સસ્મિત એકબીજા સામુ જોઈ રહ્યા. ‘પછી મળીશ’ કહીને એ ચાલતો થયો. ક્ષણવાર એની ટટ્ટાર ચાલને હું જોઈ રહ્યો. ખાર દરવાજા તરફ ચાલ્યો. ત્યારે મેં અનુભવ્યું કે મારી ચાલ સાવ ધીમી પડી ગઈ છે. એના સંવાદે મારા માનસનો કબજો કરી લીધો. અરે, એક શિક્ષકના શબ્દો કોઈના જીવન પર આવી અસર પણ કરી શકે ? તો, શિક્ષકે પિસ્તાલીસ મિનિટ કાપવાં એલફેલ-આડુંઅવળું તો ન જ બોલાય ને.

એ પ્રસંગ પછી મેં પચ્ચીસેક વરસ અધ્યાપક તરીકે નોકરી કરી. પણ દરેક પિરીયડ વખતે મારામાં આ સાવધાની આવી બેસતી. અને પછી તો એ સભાનતા મારું લક્ષણ બની ગઈ. એનાથી મને પણ જીવનમાં મજા આવી. હા, એક ખટકો હજી પણ છે. એ પછી એ મને ભેગો થયો નથી. નહીંતર, મારે એને કહેવું હતું કે, ‘તું મારો નહિ, હું તારો વિદ્યાર્થી છું !’

 
Leave a comment

Posted by on 09/05/2012 in વાર્તા

 

ના !….હવે નહિ ! – કલ્પના જિતેન્દ્ર


એક મિનિટના બદલે એને પાંચ-સાત મિનિટ થઈ, ત્યાં સુધી સાસુમાએ ધીરજ ધરી, જેવી નીલિમા નજીક આવી કે એમણે એને બાથમાં લઈ રોક્કળ શરૂ કરી દીધી. ઘણાં બધાં આંસુ પણ ખેરવ્યાં :
‘બેટા ! લઈ જવા આવ્યાં છીએ. હવે આ ઘરમાં તું એકલી નહીં રહી શકે.’
આશ્ચર્ય થયું એને. હરખાઈ તો નહિ જ ! સહેજ વિચારીને કહે, ‘બા, અહીંથી કુશની સ્કૂલ નજીક પડે. વળી આઠ વર્ષથી અહીં છીએ. આડોશપાડોશમાં સૌ સાથે ઘરોબો કેળવાયો છે. કુશનું ગ્રુપ પણ અહીં જ છે. એ ત્યાં સેટ ન થાય.
‘બેટા, પણ તારે આમ એકલા રહેવાનું ? માથેથી છત્ર તો ગયું !’ કહેતાં એમણે ડુસકું ખાધું ને સાડલાને છેડેથી આંસુ લૂછ્યાં, ‘ના ભાભી ! હવે તમને એકલા નહિ રહેવા દઈએ. તમારે મોટા ઘરે આવવું પડશે.’ ચોખ્ખી ને ચટ ના પાડવાની ઈચ્છા થઈ ગઈ, પણ તાજા જ દુઃખદ બનાવના કારણે આળાં થઈ ગયેલાં વડીલની મર્યાદા ઓળંગતાં એ અચકાઈ ‘જોઉં છું.’ હમણાં તો નહિ…. પછી વિચારું છું.’ કહી એણે વાત આઘી ઠેલી.

‘એમ કર બેટા ! આપણાં કપડાં લઈ આવ. મારે તો હવે અહીં જ રહેવું પડશે. અત્યારે વહુને એકલી ન મુકાય. જોને ! રોઈ રોઈને કેવી અડધી થઈ ગઈ છે ! ને કુશનું ય ધ્યાન રાખવાનું ને ? બિચારો કેવો નિમાણો નિમાણો ફરે છે ? એનું મોઢું જોઈને મારી તો છાતી ફાટી પડે છે !….. ને તું પણ અહીં રહે તો નીલિમાને થોડી કંપની મળે !’ સારું લાગ્યું નીલિમાને ! પતિના અવસાનને હજુ તો વીસ દિવસ થયા છે. ઘર આખું ખાવા દોડે છે !

કામકાજ આટોપી આડી પડી. થાક લાગ્યો છે, પણ ઊંઘ નહિ આવે. વિચારે ચડી ગઈ. પતિ સાથે કોર્ટ મેરેજ કરી આશીર્વાદ લેવા ગયાં ત્યારે તો સાસુ-સસરાએ ઘરમાં પગ પણ મૂકવા ન દીધો. અરે ! કુશના જન્મ પછી, એમનું મન કૂણું પડ્યું હશે, એમ માની પગે લગાડવા લઈ ગયાં તોય ધુત્કારી કાઢ્યાં હતાં ! પરજ્ઞાતિની વહુનો અસ્વીકાર-તિરસ્કાર તો ઠીક, દીકરાનેય કહી દીધું, આજથી તું અમારે માટે મરી ચૂક્યો છે ! જોકે અકસ્માતના સમાચાર સાંભળી દોડી આવ્યાં ખરાં ! કદાચ લોકલાજે ! પણ શ્રાદ્ધવિધિમાં ખાસ રસ લીધો નહિ. નીલિમાએ માત્ર એમની હાજરીથી સંતોષ માન્યો ને નર્મદાકિનારે ચાણોદ જઈ બધું આટોપી લીધું. બ્રાહ્મણોને દાનદક્ષિણા અને ગરીબોને ભોજન બધું એણે જ કર્યું.
અને આજે હવે તેડી જવા આવ્યાં છે ?
કેમ ?
પુત્રના કરુણ અવસાનથી એમનું હૃદય આળું થઈ ગયું હશે ? પૌત્ર કુશમાં પુત્રનો ચહેરો શોધતાં હશે ? થયેલી ભૂલનું પ્રાયશ્ચિત કરવા માગે છે…? જે હોય તે. નીલિમાએ મન મનાવી લીધું. ભલે રહે થોડા દિવસ, સારું લાગે છે. એમણે પણ દીકરો ખોયો છે. એકબીજાની હૂંફ ને ઓથ રહેશે. સાસુ-નણંદ અહીં આવી ગયાં, પણ ત્યાં સસરા ને દિયરનું જમવાનું શું ? એનો ઉકેલ પણ મળી ગયો. અહીંથી ટિફિન જવા માંડ્યું, પછી તો સસરા સવારથી આવી જાય, રાત્રે જમીને જાય. દિયર પણ અહીંથી જમીને કૉલેજ જાય. રાત્રે જમ્યા પછી ઘરે. પપ્પાની ગેરહાજરીમાં કુશને દાદા-કાકાના લાડ-પ્યાર તો મળવા જોઈએ ને ?

ઘરમાં બેની જગ્યાએ છ જણની રસોઈ થવા માંડી. નીલિમા વસ્તુઓ લાવવા-મૂકવામાં વ્યસ્ત રહેવા માંડી. ઘરનું આખું વ્યવસ્થાતંત્ર બદલાઈ ગયું. પહેલાં ઓછું કામ હતું, એ જાતે જ કરી લેતી. હવે તો કામવાળી રાખવી પડી. શરૂઆતમાં ‘જે હશે તે ચાલશે’ કહેનારાં સાસુમા ‘નીલિમા આ તો જોઈશે જ.’ કહી આદેશ આપતાં થઈ ગયાં છે ! અને લાવવામાં એકાદ દિવસ મોડું થાય તો માથે ફટકારે.
‘આ તો તારા માટે અહીં આવ્યાં છીએ એટલે તને કહેવું પડે ! મોટા ઘરે તો તારા સસરાએ કહેતાંની સાથે જ લાવી મૂક્યું હોય !’
‘તો અહીં પણ એ લાવી શકે છે. દીકરાનું જ ઘર છે.’ એવા શબ્દો હોઠ સુધી આવી જાય…. ને એ પાછા ગળે ઉતારી જાય ! એ લોકોની હાજરીથી ઘર ભર્યું ભર્યું લાગતું હતું. શરૂઆતમાં ગમ્યું. ઉત્સાહથી દોડાદોડી પણ કરતી…. પણ થોડા જ દિવસમાં થાકી ગઈ. મહિનાની આખરે ખર્ચનો આંકડો મંડાયો ને એની આંખ ફાટી ગઈ. પહેલાં કરતાં ત્રણ ગણો ! પહેલાં તો રૂ. 2500 ઘરભાડું, રૂ. 500 વીજળી બિલ ને ચાર-સાડાચાર હજાર અન્ય ખર્ચ, કુલ સાત-આઠ હજારમાં આરામથી રહી શકાતું. હા, અનાજ-મસાલાની સિઝનમાં કે કપડાંની ખરીદી સમયે થોડો વધારે ખર્ચ થતો. આ મહિને વધારે વપરાશને કારણે વીજળીબિલ વધારે આવ્યું, કામવાળીનો ખર્ચ પણ વધ્યો, અનાજ-કરિયાણું-દૂધ-શાકભાજી મળી ખર્ચ થયો અઢારથી ઓગણીસ હજારનો ! આશરે અઢીથી ત્રણ ગણો !!

ભડકી ગઈ એ !
આ તો ઠીક છે, પતિ મિલકત મૂકી ગયા છે. જોકે એને તો કશી ખબર જ નહોતી ! બૅન્કમાં ક્યારેય ગઈ નહોતી. પતિ જ બધું સંભાળતા. કહ્યું હતું, ‘તને નિરાંતે બૅન્કમાં લઈ જઈશ. શીખવીશ ને સમજાવીશ.’ પણ એ બધું સમજાવે એ પહેલાં તો ચાલી નીકળ્યા ! ઘણીવાર કહેતા, ‘આ ભાડાનું મકાન ખાલી કરી આપણે પોતાનો ફલેટ લેવો છે.’ વળી વિચાર બદલે ‘ના ! ના ! કુશને ખૂબ ભણાવવો છે. પહેલાં એના અભ્યાસની વ્યવસ્થા પછી જ બીજું કાંઈ.’ અને એટલે જ કરકસરથી રહ્યા, આડોઅવળો કોઈ ખર્ચ નહિ, સવારે આઠથી રાત્રે આઠ સુધી દુકાનમાં મહેનત કરીને આટલું બચાવ્યું ! જોકે કેટલી રકમ છે, શું છે એને કાંઈ ખબર જ નહોતી. આ તો પતિના અવસાન પછી સોસાયટીમાં જ રહેતાં ને બૅન્કમાં નોકરી કરતાં અમરભાઈએ વાત કરી ત્યારે જાણ થઈ. એમણેય મદદ પણ ઘણી કરી. નીલિમા સાથે બૅન્કમાં જઈ ડેથ સર્ટિફિકેટ વ. આપી લોકર, એકાઉન્ટ વ. હસ્તગત કર્યાં ને ત્યારે જ ખબર પડી કે અઢી લાખની એફડી ને ચાર લાખ સેવિંગ એકાઉન્ટમાં છે. દુકાનની ઉઘરાણી કદાચ તાજેતરમાં પતી હશે. એક જાતનો સધિયારો મળ્યો. પાસે સંપત્તિ તો છે ! માથેથી છત્ર ગયું, પણ સાવ ઉઘાડી ને નોધારી નથી થઈ ગઈ. ગુજરાન ચલાવી શકે એટલી મૂડી તો પતિ મૂકી જ ગયા છે !

બીજા મહિને પણ વીસ હજાર ખર્ચ થયો. શ્રાદ્ધવિધિ પર દસેક હજાર વપરાયા હતા. બે મહિનામાં પચાસ હજારનો ખર્ચ !!!!…… આંખ ફાટી ગઈ નીલિમાની ! સેવિંગ એકાઉન્ટમાં ચારમાંથી સાડા ત્રણ લાખ જ રહ્યા ! ના ! ના ! દીકરાના અભ્યાસ માટે પતિએ કમાયેલી ને કરકસરથી બચાવેલી રકમ આમ વેડફી ન નખાય ! આવક તો કાંઈ છે નહિ, જે કાંઈ છે તે મૂડી પર જ !… ખર્ચ પર કાપ મૂકવો જ પડશે !

એક બપોરે સાસુના શબ્દો કાનમાં પડ્યાં :
‘સાંભળો છો ? હવે તો વહુ ને કુશનું ધ્યાન રાખવા આપણે અહીં જ રહેવું પડશે. એવું કરીશું, ત્યાંનું મકાન ભાડે આપી દઈએ. ભાડાંની આવક તો થાય ! બૅન્કમાં મૂકી દઈએ તો કાલ સવારે દીકરીનાં લગ્નમાં કામ આવે ને અહીં કાંઈ આપવાની જરૂર નથી. વહુ પાસે મિલકત ઘણી છે. આપણો જ દીકરો મૂકી ગયો છે ને ?’
અચ્છા !…. આમ વાત છે. ક્યાંકથી જાણ થઈ એટલે જ અહીં ધામા નાખ્યા છે ! મારી એકલતા કે ઓથ માટે નહિ ! આ તો સંપત્તિના કારણે !
સમસમી ગઈ એ ! મનમાં કેટલાંય વંટોળ ઊઠ્યાં.
ભલે, કૌશિકનાં માતાપિતા છે. પુત્રની પાસેથી અપેક્ષા રાખે એ ઉચિત છે….. પણ દીકરાના જીવતા કોઈ સંબંધ નહિ અને હવે ?….. મારી સાથેનાં લગ્નના કારણે તો દીકરા સાથેનો સંબંધ કાપ્યો !!…. અને હવે દીકરાના અવસાન પછી વહુ સાથે નાતો જોડવાનો ? સમજાય છે, હવે તો ચોખ્ખું ને ચટ દેખાય છે. મારા પ્રત્યેની અનુકંપા કે સહાનુભૂતિ નથી !….. આ તો સંપત્તિનો પ્રતાપ ! બે-ત્રણ દિવસનાં મનોમંથન પછી એણે દઢ નિર્ણય લીધો. અમરભાઈની મદદ અને માર્ગદર્શન મળતા રહ્યા. એમને લઈ બૅન્કમાં જઈ આવી.

અઢી લાખની એફ.ડી ને સાડા ત્રણ લાખ સેવિંગ એકાઉન્ટના, કુલ છ લાખ એવી રીતે મૂકી દીધાં કે દર મહિને રૂ. 4500 વ્યાજની આવક મળે. એક રૂમ રસોડાનો નાનકડો બ્લોક આજ સોસાયટીમાં શોધી લીધો. રૂ. હજાર ઘરભાડું ને પાંચસો વીજળી બિલ. બાકી વધતા ત્રણેક હજારમાં ઘર તો ન ચાલે, પણ ખાસ ચિંતાનું કારણ નથી. ટ્યૂશન કરીને કે નાની નોકરી શોધીને આવક ઊભી કરશે…. ને જરૂર પડે મૂળ મૂડી તો છે જ !

બીજી બપોરે ઘરમાં સૌ આરામ ફરમાવતાં હતાં ને એણે મક્કમપણે કહી દીધું :
‘બા-બાપુજી, આજે ત્રીસ તારીખ. આવતી કાલે આ ઘર ખાલી કરી દેવાનું છે. મેં બાજુમાં નાનકડો બ્લોક ભાડે રાખી લીધો છે. અમારે મા-દીકરા માટે અત્યારે તો પૂરતો છે. તમારી લાગણી માટે આભાર કે તમે દોડી આવ્યાં ને બે મહિના મને સધિયારો આપ્યો….. પણ હવે હું મારા પગ પર ઊભી રહીશ ને કુશને સાચવીશ. ઈશ્વરની કૃપા કે તમારા દીકરાએ અમને સાવ નોધારા નથી છોડ્યાં !! ચાલો, સૌ પોતપોતાનો સામાન બાંધવા માંડીએ….’

 
Leave a comment

Posted by on 09/05/2012 in વાર્તા

 

क्रिमेटोरियम (कहानी-अजय ओझा)


 
 
%d bloggers like this: